ગુજરાત

ભર શિયાળાના ટાઢોડા વચ્ચે રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ,જાણો કઈ તારીખ સુધી રહેશે વાદળ છાયું વાતાવરણ

હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

સુરતમાં બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે સાંજે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ગુરુવારે સાંજે 6 વાગ્યા પછી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેમાં અડાજણ, વેસુ, સિટી લાઈટ, કેનાલ રોડ, વરાછા, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અમુક જગ્યાઓ પર રોડ ચીકણો થઈ ગયો હતો અને ઓફિસ તથા કામધંધેથી ઘરે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં વરસાદ
વહેલી સવારથી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના શિવરંજની, સેટેલાઈટ, શ્યામલ વિસ્તાર, પ્રહલાદ નગર, એસજી હાઈવે, આનંદ નગર, રામોલ, બાપુનગર, ઘોડાસર, ઓઢવ, નિકોલ, મણિનગર, અમરાઈવાડી, દાણીલીમડા, સાણંદ અને વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હજુ પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.

વાદળોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વડોદરા શહેરમાં ગુરુવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે મોડી સાંજથી રાત સુધીમાં શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે શહેરમાં બપોરે એકાએક વાતાવરણમાં વાદળો છવાઈ જતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. બીજી તરફ, 10 ડિસેમ્બરના રોજ સૂર્યાસ્ત 17:53નો હતો, પરંતુ વાદળો છવાતાં 5 વાગ્યાથી જ અંધારું થવા માંડતાં ગુરુવારનો દિવસ અડધો કલાક વહેલા આથમ્યો હતો, જ્યારે સાંજે 6 વાગે તો અંધારું છવાઈ ગયું હતું.

શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે. આ માવઠાથી વાતાવરણમાં પણ બપોરે ગરમી અદૃશ્ય થઇ ગઇ હતી અને તાપમાનમાં બપોરે 2 ડીગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થયો હતો. ભાવનગર શહેર ઉપરાંત જેસર, ભંડારિયા, તળાજા, ગારિયાધાર, ગુંદરણા, દિહોર સહિતનાં ગામો અને તાલુકા મથકોએ પણ કમોસમી વરસાદ વરસી ગયો હતો. ઝરમર છાંટાથી માંડીને હળવા ઝાપટાં વરસી ગયાં હતાં.

13મી સુધી ધૂંધળું વાતાવરણ રહેશે
હવામાનશાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે 10થી 13 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 ડિસેમ્બરની આસપાસ ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે પહોંચશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલું મિડ લેવલ ટર્ફ ઉત્તર અરબ સાગર સુધી લંબાશે, જેની અસરના ભાગરૂપે અરબ સાગરમાંથી ભેજ ખેંચાશે, જેને પગલે 10થી 13 ડિસેમ્બર વચ્ચે વડોદરા સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું કે ધૂંધળું વાતાવરણ જોવા મળી શકે છે.

રાજકોટ, અમરેલીમાં વાદળછાયું વાતાવરણ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં વાદળોથી ઘેરાયું હતું. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગારિયાધાર, તળાજા અને મહુવાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા. રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *