Gujarat

જામનગર તાલુકાના કોંઝા ગામના ભારે વરસાદ ના કારણે સંખ્યાબંધ પશુઓના મૃત્યુથી પશુપાલકોમાં ભારે ચિંતા

તમને જણાવી દઈએ કે જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય તેમ રવિવાર રાતથી સોમવાર સુધી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જલપ્રલયના કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. જામનગર તાલુકાના કોંઝા ગામમાં સાંબેલાધાર વરસાદ પછી સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું, અને મોટાભાગના પરિવારો ના ઢોરઢાંખર તણાયા છે, ત્યારે કોંઝા ગામના ચેકડેમ પાસેથી આજે સવારે વરસાદી પાણી ઓસર્યા પછી સંખ્યાબંધ પશુઓના મૃતદેહો જોવા મળ્યા હતા.

ગઈકાલે વહેલી સવારે એકાએક ધસમસતું પાણી આવી ગયું હોવાથી લોકો પોતાનો જીવ બચાવવામાં અને જરૂરી સામાન બચાવવામાં જ વ્યસ્ત બની ગયા હતા. તેવા સમયે પોતાના પશુઓને બચાવવા માટેનો કોઈ ચારો ન હતો, અને ગ્રામજનો ખૂબ જ લાચાર બની ગયા હતા.

પોતાની નજર સમક્ષ જ પશુઓને તણાતા જોઈને અનેક ગ્રામજનોમાં ચિત્કાર નીકળી ગયો હતો. જે તણાયેલા પશુઓ પૈકીના અનેક મૃતદેહો આજે વરસાદી પાણી ઓસરી ગયા પછી કોંઝા ગામ ના ચેકડેમ આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા હતા. જેથી સમગ્ર કોંઝા ગામ શોકમગ્ન બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *